નેત્રંગ, ભરૂચ
– ચાસવડ દુધડેરીની વ્યવસ્થાપક સમિતિ બરખાસ્ત : જીલ્લા રજીસ્ટ્રારે કસ્ટોડિયનની નિમણુંક કરી
– કસ્ટોડિયનની નિમણુંકથી આદિવાસીઓ વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાતો
ભરૂચ જીલ્લાના વાલીયા-નેત્રંગ તાલુકાની જીવાદોરી સમાન શ્રી ચાસવડ દુધ ઉત્પાદક સહકાર મંડળી વર્ષ ૨૦૨૧-૨૦૨૫ નું ઓડિટ વી.એન.માવાણી સ્પેશિયલ મિલ્ક ઓડિટર દ્વારા કરતા મંડળીના હોદ્દેદારો, કર્મચારીઓના દફતર, આધાર-પુરાવા, માહીતીઓ અને ખુલાસાઓની તપાસ કરતા વ્યવસ્થાપક સમિતિના સભ્યોએ સહકારી કાયદાનું ઉલ્લંઘન કરી લાખો-કરોડથી પણ વધુ રૂપિયાના ખોટા વ્યવહારો મળતા તેમાં સહકારી કાપદા પ્રમાણે ૯૩ ની નોટીસ વ્યવસ્થાપક સમિતિને ફટકારવામાં આવી હતી પરંતુ યોગ્ય જવાબ રજુ નહીં કરાતાં આખરે ભરૂચ જીલ્લા રજીસ્ટ્રાર પરેશ બી કણકોટીયાએ ચાસવડ દુધ ડેરીના ૧૭ ડિરેક્ટરોને ૮૧ ની કલમ હેઠળ બરતરફ કરી ૬ સભ્યોની કસ્ટોડિયન કમિટીમાં નિમણુંક કરાતા તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા.
જેમાં ચાસવડ ડેરનીના પ્રમુખ, ઉપપ્રમુખ, મેનેજર અને કમિટી સભ્યોએ ૨૦૨૨- ૨૦૨૩ વર્ષમાં મંડળીમાં ૧૯૯૨ સભાસદ,૧૨૫૪૪ બિનસભાસદ દુધ ઉત્પાદકો, ૫૬ કર્મચારી અને ૧૮૧ દુધ સેન્ટર એજન્ટ મળીને કુલ ૧૪૭૭૩ સભાસદને ભેટ આપવા માટે કુલ ૧.૯૬ કરોડનો ખર્ચ મંડળીના નફા-નુકશાન ખાતેથી કાચા નફામાંથી મંડળીના સભાસદ ઉન્નતિ ફંડ માંથી કરેલ છે જેમાં વધારાની ખુશીઁના ૬૩૬૯ અને ડિનર સેટના રૂ.૫૫.૬૫ લાખ કુલ વધારાની સભાસદ ભેટની ખરીદી કરેલ હતી. ખરીદેલ વધારાની ભેટ જે-તે વેપારીને પરત કરવાના બદલે વેચાણ કરી મંડળીને આર્થિક નુકશાન પહોંચાડેલ હતું.
ચાસવડ ડેરીના ૨૦૨૩-૨૦૨૪ વર્ષમાં મંડળીમાં ૧૯૯૨ સભાસદ, ૧૩૧૩૨ બિનસભાસદ દુધઉત્પાદકો, ૫૬ કર્મચારી અને ૧૮૨ દુધસેન્ટરના એજન્ટ મળીને કુલ-૧૫૩૬૨ વ્યક્તિ હતા જેમણે ડબલ બેડ ચાદર, ઓશિકા-૩, ઓશિકાના કવર ૩ જેના જીએસટી સહિત રૂ.૪૩.૮૭ લાખની ગેરવહીવટની ફરીયાદ હતી જેમાં વાહનભાડું સાથે મંડળીના સભાસદ ઉન્નતિ ફંડમાંથી રૂ.૫૩.૦૫ લાખની વધારાની સભાસદ ભેટની ખરીદી કરેલ હતી.
૨૦૨૩-૨૦૨૪ના વર્ષમાં ખુબ જ મોટા પ્રમાણમાં ફક્ત ત્રણ ભાવના આધારે મંડળી સાથે વર્ષોથી સંકળાયેલી વેપારીપેઢી પાસેથી રૂ.૨.૩૬ કરોડના સભાસદો-બિનસભાસદ, કર્મચારીઓ અને દુધસેન્ટર એજન્ટો માટે સભાસદ ભેટ વારાહી ઈન્ડસ્ટ્રીઝ નામની વેપારી પેઢી પાસેથી હરીયાણા રાજ્યના પાણીપતની આનંદ ઈન્ટરનેશનલ નામની વેપારી પેઢી પાસેથી ખરીદી હતી. આ માલ પાણીપતથી મંડળી સુધી લાવવા માટે મંડળીએ રૂ.૧૩.૩૦ લાખ વાહનભાડુ ૩૫ હજારના ૩૮ રોકડ વાઉચરથી વારાહી ઈન્ડસ્ટ્રીઝને અને ૪૨ હજારનું ઓનલાઈનના માધ્યમથી આનંદ ઈન્ટરનેશનલ પાણીપત હરીયાણાને ચુકવેલ હતું. વર્ષ દરમ્યાન વ્યવસ્થાપક સમિતિના સભ્યો ઉત્તર ભારતના પ્રવાસે ગયા હતા.આ પ્રવાસનું ભાડુ રૂ. ૩.૫૦ લાખ અને પ્રવાસનો ખર્ચ રૂ. ૪.૧૦ લાખનો ખર્ચ કરી ટેમ્પા ભાડા ખાતામાં રૂ.૧૩.૩૦ લાખનો ખોટો ખર્ચ ઉધારેલ છે તેવા ગંભીર ગેરવહીવટની ફરીયાદો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી હતી.
ચાસવડ ડેરીની અધિનિયમની કલમ ૮૧ અને નિયમ ૩૭(ક) ની જોગવાઈઓ અન્વયે મંડળીમાં વહીવટદારની નિમણુંક કરવી જરૂરી બનતા તેનો હુકમ પી.બી.કણકોટીયા જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ ભરૂચ દ્વારા ધી નેત્રંગ વિભાગ દુધ ઉત્પાદક સહકારી મંડળી લી. ચાસવડના વ્યવસ્થાપક કમિટી સભ્યોને કલમ-૮૧ હેઠળ બરતરફ કરી મંડળીમાં વહીવટદાર તરીકે શરતોને આધિન હુકમની તારીખથી ૬ (છ) માસ સુધી નિમણુંક કરતો હુકમ કરતા કસ્ટોડિયન કમિટીના સભ્યો તરીકે હિમાંશુ પુષ્પકાંત ભક્ત, મુકેશ રતનજી પટેલ, અશોક જમનાદાસ ઠુંમર, મહેન્દ્ર વસાવા, પીન્ટુ વસાવા અને મનસુખ વસાવાની નિમણુંક કરવામાં આવી છે.
ભરૂચ જીલ્લા રજીસ્ટ્રારે વ્યવસ્થાપક સમિતિને જે નોટીસ આપી હતી.જેની હાલ તપાસ ચાલું છે.જે પહેલા જીલ્લા રજીસ્ટ્રારે કસ્ટોડિયન કમિટીની નિમણુંક કરી દીધી છે.અમારી આ બાબતે કાયદાકીય લડત ચાલું રહેશે.




