ભરૂચ,
– ભરૂચ જિલ્લા ક્લેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
– તમામ વિભાગોને પ્રો-એક્ટિવ અભિગમ સાથે કામ કરવા કલેક્ટરની સૂચના
ભરૂચમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષસ્થાને અને જિલ્લાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા આયોજન ભવનની કચેરી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં અગાઉના પડતર પ્રશ્નો ઉપરાંત વિવિધ વિભાગોને લગતા નવા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી જેમાં મુખ્યત્વે આવાસના પ્લોટની ફાળવણી, સફાઈ અને ગંદકી દુર કરવા, રોડ-રસ્તા સહિતા કામોમાં ગુણવત્તા જાળવવા, ભરૂચ શહેરમાં ટ્રાફિકની પરિસ્થિતિ ઉપર વિગતે ચર્ચા કરી શહેર અને જિલ્લામાં સરકારી જમીન અને રોડ રસ્તા ઉપર થતા દબાણો દૂર કરવા અધિકારીઓને મેગા ડીમોલેશન અભિયાના હાથ ધરવા કડક આદેશ અપાયા હતા. સાથો સાથ પોસ્ટ વિભાગની ટપાલ અને આધારકાર્ડ માટેની કામગીરી, જંગલની જમીનોમાં વારસાઈ બાબતે, આવક અને જાતિઅંગેના દાખલા માટે સોગંધનામા અંગેની આનૂસંગિક વ્યવસ્થા કચેરીમાં થાય, વિદ્યાર્થીઓને સમયસર બસ મળે અને તેના રૂટની ફાળવણી, ગામતળ બહાર અને ખેતીવાડીને લગતાં વિસ્તારોમાં વીજ કનેક્શન સત્વરે આપવા અને વીજ ટ્રાન્સફોર્મર બાબતે, સિંચાઈ માટે અને પીવાના પાણી બાબતે, શાળા માટે જમીન ફાળવવા અંગે, જિલ્લા આયોજન કચેરી, જિલ્લા પંચાયત, શિક્ષણ વિભાગ, રેલ્વે વિભાગ, વન વિભાગ, પ્રાંત અધિકારીની કચેરીને લગતાં મહેસૂલી પ્રશ્રો, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત), માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ), લગતા પ્રશ્નો અને તેના નિરાકરણ અંગે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમ્યાન જિલ્લા માંથી પસાર થતા નેશનલ હાઈવે, ગામોને તાલુકા – જિલ્લા સાથે જોડતા રસ્તાઓની મરામત, વરસાદી પાણી ભરાવા અને વરસાદના કારણે પડેલા ખાડાઓ રોડ-રસ્તા સહિતના કામોમાં ગુણવત્તા જાળવવા બાબતે તેમજ રીપેરીંગ કરી મોટરેબલ બનાવવા કડક સુચના આપવામાં આવી હતી. વિકાસ કાર્યોમાં વિલંબ ન થાય તે માટે વિભાગોએ એકબીજા સાથે સંકલન જાળવી કાર્ય કરવાની ખાસ સૂચના આપી હતી.
જિલ્લા કલેક્ટરે સંકલન સમિતિના સભ્યોને જણાવ્યું હતું કે.જનપ્રતિનિધિઓ અને લોકો તરફથી આવેલી રજૂઆતોને અગ્રતા આપીને તેનો સકારાત્મક દિશામાં ઉકેલ લાવવો અત્યંત જરૂરી છે. તેમણે તમામ પડતર કામોનો ઝડપથી અને સમયમર્યાદામાં નિકાલ લાવવા પર પણ ભાર મૂક્યો હતો તેમજ બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નો પરત્વે પ્રો-એક્ટિવ અભિગમ અપનાવીને તેનો સમયમર્યાદમાં નિકાલ લાવવા કલેક્ટરે સૂચનો કર્યો હતા. જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકની સાથે ભરૂચ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક પણ યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, સર્વે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા,રિતેશ વસાવા, ડી.કે.સ્વામી અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા, પ્રાયોજના વહીવટદાર નિશા ચૌધરી, પ્રાંત અધિકારીઓ, નેશનલ હાઈવે ઓથોરિટી, જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




