ભરૂચ,
– બેફામ બેદરકારીનો ભોગ બન્યો આશાસ્પદ યુવાન : ઉદ્યોગજગતમાં શ્રમિકોના જીવ જોખમમાં
વાગરા તાલુકાની સાયખા GIDCમાં આવેલી સ્લોકા ડાઈઝ કંપની ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. આ વખતેકંપનીની ઘોર બેદરકારીનો ભોગ બનીને એક ૧૯ વર્ષીય નિર્દોષ શ્રમિકે તેના હાથની ચાર આંગળીઓ ગુમાવી છે. ગત રાત્રે બનેલી આ કરુણ ઘટનાએ ઉદ્યોગનગરીમાં શ્રમિકોની સલામતીના નામે ચાલતી મજાકનો પર્દાફાશ કર્યો છે. મધ્યપ્રદેશથી રોજીરોટી માટે આવેલા મોહિત કાશીરામ રૈકવારને શું ખબર હતી કે માત્ર દસ દિવસમાં જ તેનું જીવન બદલાઈ જશે? રાત્રે બે વાગ્યાના સુમારે જ્યારે મોહિત બ્લેન્ડર મશીન પર કામ કરી રહ્યો હતો ત્યારે સુરક્ષાના કોઈ સાધનો કે સાવચેતી વગર તેના હાથની આંગળીઓ મશીનમાં ખેંચાઈ ગઈ હતી. પરિણામ સ્વરૂપ તેના જમણા હાથની ત્રણ આંગળીઓ અને એક અંગૂઠો કાયમ માટે કપાઈ ગયો હતો. આ ઘટનાએ મોહિતના પરિવાર માટે આઘાત અને વેદના સિવાય કંઈ જ બાકી રાખ્યું નથી. આ ઘટના માત્ર એક અકસ્માત નથી પરંતુ ઉદ્યોગકારોની શ્રમિકોના જીવ પ્રત્યેની બેદરકારી અને ઉદાસીનતાનું જીવતું જાગતું ઉદાહરણ છે. શું કંપનીના સંચાલકોને યુવકને સુરક્ષા કવચ, મોજા કે અન્ય જરૂરી ઉપકરણો આપવાનું પણ ઉચિત ન લાગ્યું? શું માત્ર નફો કમાવવાની લાલસામાં માણસના જીવનું કોઈ મૂલ્ય જ નથી?
અહીં નોંધનીય છે કે, આ જ કંપનીમાંથી વારંવાર કલરયુક્ત પ્રદૂષિત પાણી જાહેર રોડ પર છોડવામાં આવે છે જે પર્યાવરણ અને જાહેર આરોગ્ય માટે પણ જોખમી છે. આ બેજવાબદારી ભરી પ્રવૃત્તિઓ દર્શાવે છે કે આ કંપની નિયમો અને કાયદાઓની કેટલી અવગણના કરી રહી છે. આ ઘટનાની જાણ થતાં વાગરા પોલીસ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી યુવકનું નિવેદન લીધું છે. જોકે માત્ર નિવેદન લેવું પૂરતું નથી, આવા કિસ્સાઓમાં બેજવાબદાર કંપનીઓ સામે કડક કાનૂની અને શિક્ષાત્મક કાર્યવાહી થવી અત્યંત જરૂરી છે. જ્યાં સુધી આવા ઉદ્યોગપતિઓ સામે દાખલારૂપ પગલાં ભરવામાં નહીં આવે ત્યાં સુધી શ્રમિકોના જીવ જોખમમાં રહેશે. આ ઘટનામાં તંત્રએ ગંભીરતાથી તપાસ કરી કંપનીની બેદરકારી સાબિત થાય તો તેના પર કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ શ્રમિક આવી ઘટનાનો ભોગ ન બને.




