આમોદ,
આમોદ પાલિકાએ અમુક પછાત વિસ્તારોમાં ભૂગર્ભ ગટર બનાવી નથી છતાં પાલીકા શાસકોએ ભૂગર્ભ ગટરના ૭૫૦ રૂપિયા વેરો માંગણા બિલમાં માંગી મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાનો પાલિકા પૂર્વ પ્રમુખે આક્ષેપ કર્યો હતો અને પાલિકા શાસકો ઉપર ટેક્સ ચોરીનો આરોપ લગાવ્યો હતો.જેથી આમોદ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર અને અણઘડ વહીવટનો મુદ્દો સપાટી પર આવ્યો છે.
આમોદ નગરમાં આવેલા અનેક વિસ્તારમાં હજુ ભૂગર્ભ ગટરના કનેકશન આપવામાં આવ્યા નથી છતાં આમોદ પાલિકાના શાસકો દ્વારા ભૂગર્ભ ગટરનું બિલ નગરજનોના માંગણા બિલમાં માંગી પાલિકા શાસકોએ પોતાના અણઘડ વહીવટનો નમૂનો આપ્યો છે તેમજ કેટલાય નગરજનો પાસેથી ટેક્સ વસૂલી કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યુ છે.
આમોદ પાલિકાના પૂર્વ પ્રમુખ સાજીદ રાણાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ભરૂચ જેવી ‘અ’ વર્ગની નગરપાલિકામાં ૫૦૦ રૂપિયા ભૂગર્ભ ગટરનો ટેક્સ વસૂલવામાં આવે છે. જ્યારે આમોદ જેવી ‘ડ’ વર્ગની પાલિકામાં ગરીબ વિસ્તારના નાગરિકો પાસેથી ૭૫૦ નો ટેક્સ વસૂલવામાં આવે છે જે ટેક્સ વસૂલાત અયોગ્ય રીતે થઈ રહી છે, કારણ કે જે લોકોને ભૂગર્ભ ગટરનું કનેકશન આપવામાં આવ્યું નથી તેમની પાસેથી પણ સર્વે કર્યા વગર ગટરનો ટેક્સ લેવામાં આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂગર્ભ ગટર બાબતે આમોદ પાલિકાના આરોગ્ય સમિતિનાં ચેરમેન રશ્મિકા પરમારે નગરપાલિકા પાસે માહિતી અધિકાર કાયદા અંતર્ગત માહિતી માંગી હતી પરંતુ હજુ સુધી તેમને આમોદ પાલિકા દ્વારા માહિતી આપવામાં આવી નથી જેથી તેમણે પ્રાદેશિક નિયામકને પ્રથમ અપીલ કરી હોવાનું જાણવા મળ્યું છે. આમોદ નગરપાલિકા ગરીબ નાગરિકો સાથે અન્યાય અને ટેક્સ ચોરી કરી રહી છે.સૌથી ગંભીર બાબત એ છે કે, નગરપાલિકામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો આરોપ ખુદ ભાજપના જ સભ્યોએ લગાવ્યો છે. ઉપપ્રમુખ જશુભાઈ રાઠોડ અને કારોબારી અધ્યક્ષ ગીતાબેન પટેલ સહિત ૧૨ સદસ્યોએ લેખિતમાં રજૂઆત કરી હતી તેમજ પાલિકાની સામાન્ય સભામાં પણ ઠરાવ કરી બિલ ચૂકવવા સામે વાંધો રજૂ કર્યો હતો કે જ્યાં સુધી ભ્રષ્ટાચારની તપાસ ન થાય ત્યાં સુધી બિલ ચૂકવવામાં ન આવે તેમ છતાં તેમની રજૂઆતને અવગણીને કોઈ પણ તપાસ વગર લાખો રૂપિયાના બિલો ચૂકવી દેવામાં આવ્યા છે.




