ભરૂચ,
‘વિકસિત ગુજરાત’ ના દાવાઓ સામે ભરૂચ-જંબુસર રૂટ પરની બસ સેવાઓની પોલ ખુલી ગઈ છે. બસોની અછતને કારણે વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ જીવના જોખમે બસના દરવાજે લટકીને મુસાફરી કરવા મજબૂર બન્યા છે. તાજેતરમાં ભરૂચથી જંબુસર જતી GJ 18 Z 9091 નંબરની બસનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં વિદ્યાર્થીઓ ખતરનાક રીતે લટકીને મુસાફરી કરી રહ્યા છે. આ ઘટના એસ.ટી. તંત્રની ઘોર બેદરકારી દર્શાવે છે. આ સમસ્યાના તાત્કાલિક ઉકેલ માટે, મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને વધારાની બસો ફાળવવી અને પીક અવર્સ દરમિયાન નિયમિત સેવાઓ પૂરી પાડવી અત્યંત જરૂરી છે. જો આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો કોઈ મોટી દુર્ઘટના થવાની ભીતિ છે, અને તેની જવાબદારી સીધી રીતે તંત્રની રહેશે.
કોવીડ ના સમયે તમામ સરકારી બસ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી ત્યારબાદ ધીરે ધીરે બસ સેવા ચાલુ કરવામાં આવી હતી પરંતુ આજે પણ ઘણા એવા રૂટ છે જ્યાં કોવીડ ના સમયથી બંધ થયેલ બસ સેવા આજે પણ ચાલુ થઇ નથી. ઘણા એવા રૂટ છે જ્યાં બસ સેવા તો ચાલે છે પરંતુ બસ ઓછી કરી દેવામાં આવી છે જેના કારણે આવી પરિસ્થિતિ ઉભી થાય છે. કેટલા રૂટ તો એવા છે જ્યાં સદંતર બસ સેવા બંધ કરી દેવાઈ છે જેના કારણે સ્કૂલ જતાં ગરીબ ઘરના છોકરા – છોકરીઓને 2-3 કિલો મીટર પગપાળા ચાલીને બીજા ગામથી બસ પકડવી પડતી હોય છે જેના કારણે તેઓએ સવારે 4.30 થી 5 વાગ્યે ઘરેથી નીકળવું પડતું હોય છે. આ પગપાળા ચાલીને જવાની તકલીફ વધુ પ્રમાણમાં છોકરીઓ ભોગવતી હોય છે છતાં પણ તંત્રને એવો વિચાર સુદ્ધા આવતો નથી કે કોઈ દિવસ આ છોકરીઓ સાથે કોઈ અઘીતિત ઘટના બની જશે તો એનું જવાબદાર કોણ એવા સવાલો આ છોકરા – છોકરીઓના વાલીઓને થતાં હોય છે પરંતુ મજબૂરીમાં તેઓને ચુપ બેસી રેહવું પડતું હોય છે. સરકારી તંત્રની ઘોર નિંદ્રાનો શિકાર આમ આદમી થાય છે જેના કારણે દિવસે દિવસે સામાન્ય નાગરિકોમાં સરકાર વિરુદ્ધ રોષ વધતો જતો હોય એવુ લાગી રહ્યું છે.





