બોડેલી, છોટાઉદેપુર
– બોડેલી પોલીસે ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ગઈકાલે બોડેલી છોટાઉદેપુર રોડ પર બોડેલી પાસે આવેલ મેરિયા નદીના પુલ પર સહદેવભાઈ સુરેશભાઈ બારીયા (મૂળ વતન – ઢેબરપુરા, હાલ – રણા ફળિયા) નાઓ મેરિયા નદીના પુલ પરથી નીચે કૂદતાં સહદેવભાઈ ગંભીર ઇજા થઇ હતી અને ટૂંકી સારવાર બાદ સહદેવભાઈનું મોત નીપજ્યું.
સહદેવભાઈના નાના ગોવિંદભાઈ કાદીયાભાઈ રાઠવા બોડેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે આજથી ત્રણેક વર્ષ પહેલાં સહદેવ બોડેલીમાં આવેલ સોનાલિકા ટ્રેકટરના શો-રૂમ ઉપર નોકરી કરતો હતો તે સમયે શો-રૂમના માલિક જીજ્ઞેશભાઇ ઇશ્વરભાઇએ સહદેવભાઈને બે વર્ષ પહેલાં તેઓના પિતા સુરેશભાઇ જેઠાભાઇ બારીયાના નામથી ખેતીકામ માટે બે લાખ રૂપિયા રોકડા ભરી ટ્રેકટર અપાવેલ હતું. આ ટ્રેકટર ઉપર લોન થયેલ નહિં એટલે શો-રૂમ વાળા જીજ્ઞેશભાઇએ ટ્રેકટર પાછુ લઇ લીધેલ હતું. આ બાબતે સહદેવભાઈ સાથે શો-રૂમના માલિક જીજ્ઞેશભાઇએ ટ્રેકટર બાબતે અવાર નવાર ઝઘડો કરતાં હોય સહદેવએ ટ્રેકટરના શો-રૂમ ઉપરથી નોકરી છોડી દીધેલ. સહદેવએ હોસ્પિટલની સારવાર દરમિયાન બનાવ સંબંધે પુછતાં તેણે જણાવેલ કે, ગઈકાલે સુસ્કાલથી નીકળી જબુગામ બેન્કનું કામ પતાવી બોડેલી સંજુબેનની દુકાને મોટરસાયકલ લઇને જતો હતો તે વખતે સવારના આશરે દશેક વાગ્યાના અરસામાં જબુગામની સીમમાં આવેલ મેરીયા બ્રીજ ઉપર સોનાલિકા ટ્રેકટર શો-રૂમના માલિક જીજ્ઞેશભાઇ ઇશ્વરભાઇ (રહે.બોડેલી) તેમજ જીજ્ઞેશભાઇ (રહે. તાદંલજા) તથા હેમંતભાઇ (રહે. ડભોઇ) તથા બીજો એક માણસ ફોરવ્હીલ ગાડી લઇને આવેલ અને મારી મોટરસાયકલ આગળ ગાડી ઉભી રાખી આ લોકો ગાડીમાંથી ઉતરેલા હતાં અને જીજ્ઞેશભાઇ ઇશ્વરભાઇ મને ટ્રેકટરના પૈસા આપી દે તેવું કહી મારી ફેટ પકડી લીધેલ તથા આ બે-ત્રણ થપ્પડ મારેલ, જીજ્ઞેશભાઇ તેમજ તેની સાથેના માણસઓએ મને ગાળો બોલી પૈસા આપી દેજે નહિત૨ જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપતા હતાં. આ લોકો મને વધુ માર મારશે તેવી બીકે હું મેરીયા બ્રીજ ઉપરથી નીચે નદીમાં કુદી પડેલ હતો.
મેરીયા નદીમાં પથ્થર ઉપર પડવાથી સહદેવભાઈને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે બોડેલી ખાનગી દવાખાને ખસેડવામાં આવ્યો હતો અને જ્યાં ટૂંકી સારવાર દરમિયાન સહદેવભાઈનું મોત નીપજ્યું હતું.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : ઝહીર સૈયદ – બોડેલી, છોટાઉદેપુર





