ભરૂચ,
– પાલિકાના તમામ ૧૧ વોર્ડની સમીક્ષા કરી સંગઠનને મજબૂત કરવાના પ્રયાસો
– 2027 નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખી વ્યૂહરચના ઘડાશે
ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ જાહેર કરાયેલા 2025 સંગઠન વર્ષ અંતર્ગત શરૂ કરાયેલ “સંગઠન સૃજનન અભિયાન”નો ભરૂચ જિલ્લામાં સફળ પૂર્ણાંગ થયો છે. શહેરમાં આ અભિયાનનું સત્તાવાર લોન્ચિંગ વોર્ડ નંબર ૧ થી કરવામાં આવ્યું હતું જ્યાં સ્થાનિક કાર્યકરો અને આગેવાનોની હાજરીમાં ઉત્સાહભેર કાર્યક્રમ યોજાયો હતો. આ લોન્ચિંગ બાદ શહેરના તમામ વોર્ડમાં તબક્કાવાર રીતે કોંગ્રેસ સમિતિના સભ્યો સાથે બેઠક યોજવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન અને માર્ગદર્શન ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રભારી મનહર પટેલ અને ધનસુખ રાજપૂત, જીલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાજપૂત, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, વિપક્ષના નેતા શમસાદઅલી સૈયદ, દંડક હેમેન્દ્ર કોઠીવાલા, પ્રદેશ ડેલીગેટ ઝુબેર પટેલ સહિત સક્રિય કાર્યકરોની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
બેઠક દરમ્યાન આગેવાનો દ્વારા કાર્યકરોને સંદેશ આપવામાં આવ્યો કે આવનારી ચૂંટણીમાં પક્ષની મજબૂત હાજરી સુનિશ્ચિત કરવા માટે ઘેરા સ્તરે સંપર્ક, લોકહિતના પ્રશ્નો ઉઠાવવાની સાથે સંગઠનને વધુ મજબૂત બનાવવું જરૂરી છે. દરેક વોર્ડમાં કાર્યકર્તાઓનું સક્રિય નેટવર્ક ઉભું કરી ચૂંટણી પૂર્વ તૈયારી હાથ ધરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.





