ભરૂચ,
ભરૂચ શહેરમાંથી વહેતી નર્મદા નદીની જળ સપાટીએ 20 ફૂટનો આંક સ્પર્શ્યો છે. નદી હાલમાં તેના ચેતવણી લેવલથી માત્ર 2 ફૂટ દૂર છે, જેના પગલે તંત્ર દ્વારા સાવચેતીનાં પગલાં શરૂ કરવામાં આવ્યા છે.
ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે ભરૂચ વિસ્તારમાં નર્મદા નદીમાં વહેણમાં નોંધપાત્ર વધારો થયો છે.સંભવિત મુશ્કેલીઓ ટાળવા માટે પોલીસ વિભાગ દ્વારા નદીકાંઠે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. નદી નજીકના વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવાયું છે અને માછીમાર તથા સ્થાનિક લોકોને નદીની નજીક ન જવાની સૂચનાઓ આપવામાં આવી છે. હાલમાં તંત્ર પાણીની લેવલ પર નજર રાખી રહી છે અને સ્થિતિ ઉપર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ભારે વરસાદની સ્થિતિ યથાવત રહી તો નદીના સપાટીમાં વધુ વધારો થઈ શકે છે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.






